રવિવાર, 1 જાન્યુઆરી, 2012

જીવન એ ઈશ્વરનું ઉપનામ છે..

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક,
રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર.

દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માંય છે ઈશ્વર.

કે’છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર.

થોડા જગતનાં આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર ?

એનામાં હુંય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

- સૌમ્ય જોશી

          દુઃખમાં જ ઈશ્વરને યાદ કરવાની આપણે ત્યાં પરંપરા છે. દુઃખની ઠોકર વાગે ત્યારે અકસ્માતથી યાદ આવે છે ઈશ્વર. ઈશ્વરને કારણ વગર યાદ કરવાનું ક્યારેય બન્યું છે ખરું ? એવું બનશે ત્યારે ઈશ્વર અકસ્માતે યાદ નહીં આવે અને જીવન અસ્કયામત બની જશે.
જ્યાં મન થાકી જાય, હાથ હેઠા મૂકાઈ જાય અને છેલ્લા શ્વાસે નવું જીવન મળી જાય ત્યારે ઈશ્વર કોશિશ પછીની સાજીશમાં જીવતો હોય છે. બધી જ બારીઓ બંધ થયા પછી એક બારણું ખૂલે છે. માત્ર ધીરજ એના પગથિયાનો શણગાર છે.
          મંદિર ઘરની નજીક હોય એવું બને ! અને મંદિરમાં ઈશ્વર હોય જ એવું ન પણ બને ! આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે બાધા-આખડીની ધરપત આપીને ફોસલાવીએ છીએ. ક્યારેક મંદિર તરફ જતી વખતે અમથું અમથું વહાલ કરવાનું મન થાય એવી વનસ્પતિથી લઇને વ્યક્તિઓ સુધીમાં મળી જાય છે ઈશ્વર. પછી મંદિરે જવું એ વિધી થઇ જાય છે અને મંદિર જેવી અવસ્થાને મળ્યાનો આનંદ ઈશ્વર સુધિ પહોંચતો હોય છે.
           ઈશ્વર એનું ધાર્યું કરે છે અને આપણી પીડા એને વધારે પડતી છાવરે છે. દૂરની વસ્તીમાં ભૂખ્યા ભુલકાંને જોઈને એને કશું જ નથી થતું ? ઈશ્વરને દૂરના ચશ્માં હોય એવું લાગે છે. નજીક છે એ કેટલાં દૂર છે એની એને ખબર છે. પણ જેને ઈશ્વરે જ વ્યસ્ત રાખ્યાં છે એ એનાથી દૂર કઇ રીતે હોઇ શકે ?
હાજરાહજૂર માણસોને ભૂલી જઈને ચકાંચૌધ કરી નાંખનારાં મંદિરોને આપણે પૂજીએ છીએ. મંદિરોમાં પણ ભગવાનના પ્રચારના બોર્ડ હોય છે. ભગવાનને પણ આપણે આપણી શ્રઘ્ધા સાથે ચેડાં કરીને દુકાનનો ભાગ બનાવી દીધાં છે. ઈશ્વર એનાથી અંજાઈ જાય એવું કેવી રીતે બને ?
જગતના આંસુઓ લૂછવાની ત્રેવડ જેમની પાસે છે એ બધાનાં ટેરવાંઓ ઈશ્વરનાં જ છે. થોડાંક મરીઝના શેર. ‘મરીઝ’ ગુજરાતી ભાષાના ગાલિબ તરીકે ઓળખાતા કવિ છે. જીવનની પ્રત્યેક ક્ષણને એમણે ગઝલમાં મઠારીને સ્વીકારી છે. ક્યારેક આવા મુઠ્ઠી ઊંચેરા કવિની કવિતાઓ વાંચીને ઈશ્વરની સામે બોલીએ તો એ પ્રાર્થના ન બની જાય ? રાજેન્દ્ર શુકલ કહે છે કે હું ગાંધીજીને મળ્યો હોત તો એમની પ્રાર્થના પોથીમાં ગઝલોનો ઉમેરો કરાવત !
           ઈશ્વરને આપણા ઉપર વિશ્વાસ મૂકવાની આદત છે. એટલે તો આપણને જનમ આપે છે. ઈશ્વર આપણા પ્રેમમાં છે એટલે તો આપણા બધા જ ગુના માફ કરે છે. આપણે પણ એનામાં એટલી જ સહજતાથી ગૂંથાઇ જવાનું છે જેટલી સહજતાથી એ આપણામાં ધૂંટાઈ ગયો છે.
           આપણી ભૂલોને માફ કરવાવાળો ઉપરવાળો છે. એની સાથે સૌમ્ય જોશીએ ગઝલમાં કરી છે એવી વાતો નિખાલસતાથી કરવાનો દરેકને અધિકાર છે. ઈશ્વર તરફ આંગળી કરીને માણસમાં રહેલા ઈશ્વરને જીવવાનો- જીવાડવાનો અને ઉપસાવવાનો કવિ પ્રયત્ન કરે છે. બઘું જ ઈશ્વર પર છોડી દઈએ છીએ ત્યારે ઈશ્વરને પણ નસીબ પર છોડીને આપણી આવડતમાં આત્મવિશ્વાસ મૂકવો જોઈએ. જીવનના હકારની આ કવિતા એવા સંવાદમાંથી પ્રગટે છે જ્યાં નિરાધાર અને નિરાકાર એક થઇને એકબીજાને પ્રશ્નો પૂછતાં પૂછતાં પ્રતિ પ્રશ્નોમાંથી જવાબો શોધી કાઢે છે. જીવન એ ઈશ્વરનું ઉપનામ છે.

 -  અંકિત ત્રિવેદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો