સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

નિષ્ણાતો જ્યારે ભૂલે છે ત્યારે


બર્નાર્ડ શોએ એક વાર કહેલું, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે!

          આપણે ત્યાં કહેવત છે કે ‘ભણેલા ભૂલે ત્યારે ભીંત ભૂલે’ એટલે કે સામે ભીંત હોય તોપણ એમને એ ન દેખાય. અને બહુ ભણેલા હોય એ નિષ્ણાત ગણાય. નિષ્ણાતો ભૂલે ત્યારે કદાચ સામે આખું મકાન હોય તોપણ એમને નહીં દેખાતું હોય, કારણ કે એમના એ જ્ઞાનને કારણે એમને નુકસાન થાય એ કરતાં પણ વધુ નુકસાન એમના એ (અ)જ્ઞાનનો ભોગ બનનારને થતું હોય છે. સાહિત્ય અને વિજ્ઞાનમાં આના અનેક દાખલા છે. એમાંના થોડા ઉપર નજર કરીએ.
           વિજ્ઞાનની વાત કરીએ તો ગેલિલિયો ગેલીલીને થયેલા અન્યાયે એને જીવતો જ મારી નાખ્યો હતો એમ કહી શકાય. એનો ગુનો માત્ર એટલો જ હતો કે એણે કહ્યું હતું કે, સૂર્ય ફરતો નથી પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ફરે છે.

          એ વાત બાઈબલની વાતને ખોટી પાડતી હતી એટલે પાદરીઓ એની વિરુદ્ધ થઈ ગયા. બીજા કેટલાક સૂર્યપૂજકોને એ વાતમાં કોણ જાણે કેમ, સૂર્યદેવનું અપમાન લાગ્યું અને એ વાતના નિષ્ણાતોને એમાં પોતાના જ્ઞાનનું અપમાન લાગ્યું. એના એ ગુના બદલ ગેલિલિયોને મોતની સજા ફરમાવવામાં આવી, ગેલિલિયોએ માફી માંગી અને કહ્યું કે, “પૃથ્વી ફરે છે એવી મારી વાત ખોટી છે. ત્યારે એમની ઉંમર અને એમણે અગાઉ કરેલી વિજ્ઞાનની કેટલીક શોધોને લક્ષમાં લઈને એને આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને એની જિંદગીના છેલ્લા દિવસો એને house arrest  એટલે કે ઘરમાં પુરાઈ રહીને ગુજારવા દેવાની મહેરબાની કરવામાં આવી. ગેલિલિયોની લાંબી કથાનો આ માત્ર ટૂંક સાર છે.

          અને ગેલિલિયોને એકને જ નિષ્ણાતો દ્વારા અન્યાય થયો નહોતો એવા તો એક ડઝનથી પણ વધુ દાખલાઓ બન્યા છે. ફ્રોઈડ અને ડાર્વિન પણ નિષ્ણાતોના પ્રકોપથી બચી શક્યા નહોતા. ફ્રોઈડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો એમ કહીએ તો ચાલે. જે નિષ્ણાતોએ એક વાર એની પ્રશંસા કરી હતી એમણે જ એનો વિરોધ કર્યો હતો. અને ડાર્વિનનો વિરોધ કરવામાં એ વખતના પાદરીઓ જ નહીં, વિજ્ઞાનીઓ પણ હતા. ડાર્વિને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, અને આજે જેની ગણતરી ‘ઓલ ટાઈમ બેસ્ટ સેલર’માં થાય છે એ ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પ્રગટ થતાં જ હલચલ મચી ગઈ હતી. ડાર્વિનનાં કાર્ટૂનો પ્રગટ થવા લાગ્યાં હતાં. એને અને એના વડવાઓને વાંદરા બતાવવામાં આવ્યા હતા. ડાર્વિને બધું સહન કર્યું હતું. આમ છતાં, આપણે કહી શકીએ કે એ વખતે વિજ્ઞાન તરફની લોકોની દૃષ્ટિમાં ફેર પડયો હતો. ડાર્વિનના પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ડાર્વિનને મોતની સજા કરવામાં આવી નહોતી. હવે નિષ્ણાતોના છબરડાનાં થોડાં વધુ ઉદાહરણો જોઈએઃ

          ૧૯૧૪ની સાલમાં ન્યૂ યોર્કની અદાલતમાં જ્યૂરી સમક્ષ એક વકીલે કાચની એક ‘નકામી નળી’ રજૂ કરીને કહ્યું કેઃ “કાચની એક નકામી નળી છે. તેમાં ધાતુના થોડા આમ તેમ વાળેલા તાર સિવાય કશું જ નથી, છતાં તેનો શોધક કહે છે કે આ બલ્બ જેવા સાધન દ્વારા તે માણસના અવાજને આટલાંટિક સમુદ્રની પેલે પાર પહોંચાડી શકે તેમ છે. ખરેખર તો આ એક પ્રપંચ છે, ઠગાઈ છે, અને તેને કડક સજા થવી જોઈએ.”
કાચની તે નકામી નળી, એટલે આજે જેની દ્વારા સાગરપારના ફોનસંદેશાઓ પહોંચે છે અને રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરેમાં જે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જેને આપણે ‘ઓડેશન ટયુબ’ તરીકે ઓળખીએ છીએ તે વસ્તુ હતી. તેના શોધક લી ડી. ફોરેસ્ટ ઉપર ઠગાઈના આરોપસર કેસ મંડાયો હતો. સરકારી વકીલ ત્યારના જ્ઞાન-વિજ્ઞાનનો આશરો લઈને દલીલો કરતો હતો. તેના જ્ઞાન પ્રમાણે એવી નળી માનવીના અવાજનું પ્રસારણ કરી શકે તે વાત જ અશક્ય હતી. પણ તેનું જ્ઞાન ૧૯૧૪ સુધી વિકસેલ વિજ્ઞાન પર આધારિત હતું. અને લી ડી. ફોરેસ્ટ વિજ્ઞાનને ૧૯૧૪થી આગળ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. ૧૯૧૪ની સાલમાં અભ્યાસુ અને જાણકાર સરકારી વકીલના મત મુજબ લી ડી. ફોરેસ્ટ ખોટો હતો, પણ પછીના સમયમાં તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પાયોનિયર હતો.

          જ્ઞાન એટલું તો અગાધ અને અનંત છે કે ન્યુટન જેવા માણસને પણ લાગ્યું હતું કે તેની પોતાની સ્થિતિ તો માત્ર જ્ઞાનના વિશાળ મહાસાગરના કાંઠે પાંચીકા વીણતા બાળક જેવી જ હતી. જ્ઞાનનો પાયો નમ્રતામાં છે અને અજ્ઞાનનો પાયો મિથ્યા ગર્વમાં છે. છતાં વિચિત્રતા એ છે કે લગભગ બધાં જ ક્ષેત્રોમાં એવી વ્યક્તિઓ જ તમને ટોચનાં સ્થાનો સર કરીને બેઠેલી દેખાય છે.

          ઈ.સ. ૧૯૦૩માં પ્રોફેસર લેન્ગલીએ પોતાના પ્રયોગોને અંતે જાહેર કર્યું હતું કે, હવાથી વજનમાં ભારે હોય એવી કોઈ વસ્તુ ઊડી શકે નહીં. પ્રોફેસર લેન્ગલી, સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટમાં વિજ્ઞાનના નિષ્ણાત હતા અને ઉડ્ડયનના પ્રયોગો માટે અમેરિકન સરકારે તેમને મોટી સ્કોલરશિપ આપી હતી. એમણે અનેક રીતે અનેક પ્રયોગો કરી જોયા હતા અને તેના નિચોડરૂપે તે વખતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં જાહેર કર્યું હતું (દાખલા દલીલો સહિત) કે હવા કરતાં વજનદાર કોઈ વસ્તુ હવામાં ક્યારેય ઊડી શકે નહીં.
પરંતુ આ વાતની જેઓ વિજ્ઞાનીઓ ન હતા એવા બે ભાઈઓને કશી ખબર નહોતી. એ બંને ભાઈઓ માત્ર સામાન્ય સાઇકલ-મિકેનિક હતા, પણ તેમની બુદ્ધિ સામાન્ય નહોતી. તેઓ પોતાની મેળે જ, અને પોતાની વિશિષ્ટ પદ્ધતિથી જ હવામાં ઊડી શકે તેવું કોઈક યંત્ર બનાવવાનો અખતરો કરી રહ્યા હતા. અને વિદ્વાન પ્રોફેસર લેન્ગલીએ જે વર્ષે ઉડ્ડયન વિશેનો પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો તે જ વર્ષે એટલે કે ૧૯૦૩ના ડિસેમ્બર મહિનાની સત્તર તારીખે તેમણે હવા કરતાં વજનદાર ધાતુના એરોપ્લેનને હવામાં સફળતાથી ઉડાડવાનો પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો. એ ભાઈઓ ઓરવિલ રાઈટ અને વિલ્બર રાઈટને આજે સૌ કોઈ ઓળખે છે અને સરકારી પૈસે તૈયાર થયેલ પ્રોફેસર લેન્ગલીનો તર્કબદ્ધ સિદ્ધાંત ક્યાંક પસ્તીના ડૂચામાં ફેંકાઈ ગયો છે.
એવી જ રીતે મોટરકાર અને ટેલિફોન બાબતમાં પણ તે સમયના નિષ્ણાતો તદ્દન નિરાશાવાદી હતા. આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલી વાર સાઇકલ રસ્તા પર આવી ત્યારે હજારો માણસોએ તેની સામે ઊહાપોહ કરેલો અને બે પાતળાં પૈડાં ઉપર સમતોલન જાળવીને ચલાવાતા વાહનથી કેવા ભયંકર અકસ્માતો સર્જાશે તેની આગાહીઓ કરેલી. ઊહાપોહ એટલો તો ઊગ્ર હતો કે સાઇકલ ચલાવનારે પોતાને સાઇકલ ચલાવતાં આવડે છે તેવું લાઇસન્સ ફરજિયાતપણે લેવું પડતું હતું.

          કોલંબસના સમયના લગભગ બધા જ નિષ્ણાતોએ તેને કહ્યું કે પશ્ચિમ તરફ વહાણ હંકારીને પૂર્વમાં પહોંચવાની તેની વાત નરી મૂર્ખતા હતી. પણ માત્ર કોલંબસ તે માનવા તૈયાર નહોતો.
બર્નાર્ડ શોએ એક વાર એવું કાંઈક કહ્યું હતું કે, ડાહ્યા માણસો હંમેશાં સમયના પ્રવાહ સાથે ચાલે છે, માત્ર ગાંડાઓ જ સામાપ્રવાહે ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માનવજાતે કરેલી પ્રગતિનો બધો આધાર પેલા ગાંડાઓ ઉપર જ રહ્યો છે.

          પરંતુ જે લોકો દેડકા જેવડા હોય છે, પોતાના અલ્પ જ્ઞાનથી જેમનાં પેટ ફૂલીને ફાટી જતાં હોય છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ જેઓ જ્ઞાનની ક્ષિતિજોને પરિમિત કરવાની મિથ્યાચેષ્ટા કરવા માટે જ કરતા હોય છે, તેવાઓની કોઈ નોંધ ઇતિહાસે ક્યારેય લીધી નથી, તેમણે વિજ્ઞાન,કલા,સાહિત્ય દરેક ક્ષેત્રમાં બને તેટલું વધારે નુકસાન કર્યું છે, પણ તેવું તો બન્યા જ કરવાનું.

          જે લોકોએ હર્મન મેલવિલ જેવા જિનિયસને અંધારામાં ફેંકી દીધો હતો. બાલ્ઝાકને ‘ક્લાઉન’ કહીને હડધૂત કર્યો હતો, અને સ્ટેનધાલ જેવા મહાન લેખકને તો લેખક જ ગણ્યો નહોતો. ચિત્રકાર વાન ગોગને ગાંડો ગણ્યો હતો, પોલ ગોગેંનાં ચિત્રોની ઠઠ્ઠા મશ્કરી કરી હતી, એ બધા એમના સમયના પ્રથમ પંક્તિના નિષ્ણાતો હતા.
પરંતુ જો કોઈ તમને એવું કહેવા કે મનાવવા પ્રયત્ન કરે કે અમુક વસ્તુ બેધડક રીતે આમ જ હોવી જોઈએ, તો તેમનાં તેવાં અર્ધસત્યો પર એતબાર રાખવાની ભૂલ ક્યારેય કરશો નહીં, તેમની વાતો તર્કબદ્ધ હોઈ શકે છે, પણ સાચી હોઈ શકતી નથી,કારણ કે તેઓ પોતાના તર્કની કોટડીનાં બારણાં બંધ કરીને તેમાં પોતે જ કેદ થઈ ગયેલા કમનસીબ બુદ્ધિશાળીઓ હોય છે. અને આપણને તેઓ ક્યારેય કશું આપી શકે તેમ નથી હોતા. તેમની દયા ખાજો.

          આ લેખ વીસમી સદીના મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈનને થયેલા અન્યાયનો દાખલો આપીને પૂરો કરું છું. એમના જે સિદ્ધાંતને કારણે એમને મહાન વિજ્ઞાની ગણવામાં આવે છે એ ‘થિયરી ઓફ રિલેટિવિટી’ (સાપેક્ષવાદના સિદ્ધાંત)નો વિરોધ વર્ષો સુધી થયો હતો. એ વિરોધ કેવો હશે અને એથી આઈન્સ્ટાઈનને કેવું દુઃખ થયું હશે એની ઝાંખી એમના આ શબ્દોમાં થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે એ સિદ્ધાંતના કારણે હલચલ મચી હતી ત્યારે આઈન્સ્ટાઈન ‘સ્વીસ સિટીઝન’ હતા. એ વખતે એમણે પ્રેસને (પત્રકારોને) લખ્યું હતું, “જ્યારે લોકોએ (વાચકોએ) ‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ સ્વીકાર્યો છે ત્યારે હવે ઈંગ્લેન્ડમાં મને સ્વીસ જ્યૂ (સ્વીટ્ઝર્લેન્ડના યહૂદી) તરીકે સન્માનવામાં આવે છે અને જર્મનીમાં મને જર્મન વિજ્ઞાની તરીકે માનથી જોવામાં આવે છે, પરંતુ જો ઊલટું બન્યું હોય તે જર્મનો મને (સ્વીસ) યહૂદી ગણતા હોત અને અંગ્રેજો મને જર્મન ગણતા હોત!”
(જર્મનો યહૂદીઓને ધિક્કારતા હતા અને અંગ્રેજો જર્મનોને ગાંડિયા ગણતા હતા.)

26/2/2012 કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો