શુક્રવાર, 5 એપ્રિલ, 2013

બધા લોકોને મારામાં ખામી જ દેખાય છે



એ હવે રહી રહીને માગે છે પરિવર્તન મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
-મરીઝ

તારામાં બસ એક આ જ પ્રોબ્લેમ છે, એ તું દૂર કરી દે ને તો આખી દુનિયામાં તારા જેવું કોઈ નથી. માણસનો સ્વભાવ છે કે એને ખામી સૌથી પહેલાં દેખાશે. દુનિયામાં સૌથી સહેલું જો કોઈ કામ હોય તો એ માણસની ખામી શોધવાનું છે. કોઈ માણસ ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ નહીં હોવાનો. કોઈ ને કોઈ ખામી તો દરેક માણસમાં હોવાની જ છે.

ખામી, ભૂલ, મર્યાદા, પ્રોબ્લેમ, શોધવાની માણસને સૌથી વધુ મજા આવતી હોય છે. ક્રિટિક બનવું બહુ સહેલું છે. પ્રસંશક બનવું સૌથી અઘરું છે. બધો જ આધાર એના ઉપર છે કે તમે માણસને કઈ દૃષ્ટિથી જુઓ છો. ખામી શોધવી હોય તો બધેથી મળી આવશે. ચાંદમાં પણ ડાઘ છે અને ફૂલ સાથે પણ કાંટા હોય છે. ચાંદમાં ડાઘ જ જોઈએ તો એની રોશનીનું મૂલ્ય ક્યારેય સમજાવાનું જ નથી. સવાલ એ છે કે તમને મતલબ શેનાથી છે, ડાઘથી કે રોશનીથી? ચંદ્રમાં ભલે ડાઘ રહ્યો પણ એનો પ્રકાશ બધે એકસરખો જ પડે છે.

પ્રકૃતિનો કોઈ અંશ એકસરખો નથી. આખી પૃથ્વીને જ જોઈ લ્યોને. ક્યાંય જંગલ છે તો ક્યાંક રણ, ક્યાંક કાળઝાળ ગરમી છે તો ક્યાંક બરફ. ક્યાંક દરિયો છે તો ક્યાંક એક ટીપાંનીય હાજરી નથી. કેવું છે, આને આપણે વૈવિધ્ય કહીએ છીએ. માણસના વૈવિધ્યને આપણે સ્વીકારી શકીએ છીએ? આપણી 'માન્યતા' અને આપણા 'ગમા'માં જે વ્યક્તિ ફિટ નથી બેસતી તેને આપણે નકામી ગણી લઈએ છીએ. કોઈ વ્યક્તિને આપણે સંપૂર્ણ રીતે સ્વીકારી શકતા નથી.

બે ભાઈઓ હતા. બંનેની પોતાની કંપની હતી. બંનેમાં એકસરખો જ મેનપાવર અને એક સરખી જ સાધનસામગ્રી હતી છતાં એક ભાઈની કંપની સરસ ચાલતી હતી અને બીજા ભાઈની કંપની નબળી ચાલતી હતી. પેલા ભાઈને સમજાતું જ ન હતું કે આખરે ખામી ક્યાં છે? એક દિવસ તેને થયું કે મારા ભાઈને જ પૂછી જોઉં કે તારી સફળતાનું કારણ શું છે? તેણે પૂછયું કે આપણા બંને પાસે બધું જ સરખું હોવા છતાં હું કેમ નિષ્ફળ જાઉં છું ? ત્યારે બીજા ભાઈએ સરસ વાત કરી. તેણે કહ્યું કે માત્ર એક જ અને નાનકડો જ તફાવત છે. તારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં તું ખામી જ શોધે છે અને મારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં હું ખૂબી જ શોધું છું. હું માણસની ખામીઓની દરકાર જ નથી કરતો પણ તેનામાં ખૂબી શું છે એ શોધીને એને જ એનકરેજ કરું છે. તું ખામીઓ શોધવાનું બંધ કરી દે અને માણસની ખૂબીઓને શોધી કાઢ, પછી જો, લોકો કેવું પરિણામ આપે છે.

આપણે પણ આપણા લોકોની ભૂલ જ શોધતા હોઈએ છીએ. તું આ બરાબર નથી કરતો, તું ક્યારેય સુધરવાનો જ નથી, તારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં, તું કોઈ દિવસ સફળ જ નથી થવાનો, આવું જ આપણે શોધતા અને કહેતા હોઈએ છીએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણી સાથે જે લોકો જીવે છે કે આપણી સાથે જે લોકો કામ કરે છે તેની ખૂબી શું છે? આપણે ક્યારેય આ ખૂબીને શોધીને તેનાં વખાણ કરીએ છીએ? ના, આપણને કોઈની ભૂલ શોધવામાં જ મજા આવતી હોય છે. રોજ મોડા આવનારને આપણે ખવડાવશું પણ દરરોજ સમયસર આવનાર માટે આપણાં મોઢામાંથી વખાણના બે શબ્દો પણ નહીં નીકળે.

સંબંધોનો આધાર પણ તેના ઉપર જ છે કે તમે તમારી વ્યક્તિમાં શું જુઓ છો. તમારી પ્રિય વ્યક્તિમાંથી કોઈ એક સારી બાબત શોધીને ક્યારેક તેને કહી જોજો કે તારામાં આ એક એવી ખૂબી છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. સારી બાબતોની આપણને દરકાર જ નથી હોતી. માણસને માર્ક્સ આપવા કરતાં માર્ક્સ કાપવાની ફાવટ વધુ હોય છે. ફિલ્મમાં જશે તોપણ એ જ શોધશે કે ફિલ્મ ક્યાં નબળી છે. આ એક ગીત સાવ ભંગાર છે એમ કહેશે પણ ત્રણ ગીત સરસ છે એમ કહી નહીં શકે. ચિત્રમાં પણ ક્યાં ખોટો સ્ટ્રોક લાગી ગયો એ જ શોધશે. સંગીતમાં પણ ક્યાં રિધમ તૂટી એના પર જ ધ્યાન હશે.

એ વ્યક્તિ ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતી જે પોતાની વ્યક્તિમાં ખામી જ શોધે છે. તમારી વ્યક્તિમાં શોધશો તો એવું પણ મળી આવશે જે બીજા કોઈનામાં નહીં હોય. સારાપણું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એક પતિ-પત્ની હતાં. પત્ની દરરોજ પતિ માટે ખૂબ પ્રેમથી અને મહેનત કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે. પતિ કોઈ દિવસ તેની કદર કે વખાણ ન કરે. એક દિવસ પત્નીએ સરસ વાનગી બનાવી, બસ એમાં મીઠું ન નાખ્યું. પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં જ પતિએ કહ્યું કે આજે શાકમાં મીઠું નથી. પત્ની હસવા લાગી અને કહ્યું કે દરરોજ તો હોય છે, ત્યારે કેમ તમે નોંધ નથી લેતા. માર્ક કરજો, ઘણી બધી બાબતોમાં આપણે આવું કરતા હોઈએ છીએ.

બાળક ગણિતમાં નબળું હશે તો આપણે તેને સતત એના માટે જ ટોકતા રહીશું, ઇકોનોમિક્સ સારું હશે તો તેનાં વખાણ નહીં કરીએ. ક્યારેય એવું કહીએ છીએ કે એ નથી ફાવતુંને, ચિંતા ન કર, એમાં સારી રીતે પાસ થવાય એટલી તૈયારી કર, બાકી તારી જેમાં માસ્ટરી છે એના પર વધુ ધ્યાન દે. પર્સન્ટેજ કવર થઈ જશે. પણ આપણે ગણિતની જ એટલી બધી ખામી દેખાડીને એનું ઇકોનોમિક્સ પરનું ધ્યાન હટાવી દેશું. તમને ખબર છે કે તમારા બાળકની ખૂબી શું છે?

જે તમારી ખામીઓ જ શોધીને બતાવતા રહે તેનાથી પણ સાવચેત રહેજો. ઘણી વખત તો આપણી જ વ્યક્તિ આપણામાં એટલી બધી ખામી શોધતી રહે છે કે આપણને જ એવું લાગવા માંડે કે મારામાં કંઈ આવડત છે જ નહીં. એવું ક્યારેય નથી હોતું કે કોઈનામાં કંઈ આવડત ન હોય. દરેક વ્યક્તિ સારી હોય છે. જો તેનામાં રહેલું સારાપણું તમે જોઈ શકતા હો તો. તમારી વ્યક્તિની સારી બાબત શોધીને એનાં વખાણ કરી જોજો, પછી જો જો કે તેનામાં શું પરિવર્તન આવે છે. એક વાર કહી તો જુઓ કે યુ આર બેસ્ટ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. માણસને સારો, ઉમદા અને પ્રેમાળ બનાવવાનો જાદુ તમારી પાસે છે જ, એને ક્યારેય અજમાવી તો જુઓ. બેસ્ટ નહીં હોય એ પણ ધ બેસ્ટ થઈ જશે.

છેલ્લો સીન :
આપણે એકબીજાના જીવનને જો ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ?
-જ્યોર્જ એલિયટ

(‘સંદેશ’, તા. 31મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ  - કૃષ્ણકાંત ઉનડકટ)

2 ટિપ્પણીઓ: