શુક્રવાર, 12 જૂન, 2015

જીવનમાં જેટલી એકાગ્રતા વધુ રાખો એટલી સફળતા વધુ મળે

પશ્ચિમના મહાન ચિંતક ઈમર્સન કહે છે, 'સફળતાનું રહસ્ય તો છે, એકાગ્રતા. યુદ્ધમાં, વેપારમાં, બધા જ પ્રકારની બાબતોમાં.' જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા એકાગ્રતા અનિવાર્ય છે. આ અંગે હવે યુરોપ-અમેરિકામાં પ્રયોગો પણ થઈ રહ્યા છે: હોલેન્ડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ વિશે એક પ્રયોગ કરવામાં આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆ દ્વારા એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ આપવામાં આવ્યું. પછી તેમણે જે સિદ્ધાંતો મેળવી સિદ્ધિઓ મેળવી હતી તેની સરખામણી અન્ય વિદ્યાર્થીઓ સાથે કરતાં એ જણાયું કે એકાગ્રતાનું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ ઇતર, પ્રવૃત્તિઓ, ખેલકૂદ વગેરેમાં પણ આગળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે શાળાઓમાં
અપાઈ રહ્યું છે.

ચીનના સંતા ચાઉંગ ત્ઝુ કહે છે કે જે વ્યક્તિઓ એકાગ્રતાપૂર્વક પોતાનું કાર્ય કરે છે, તેમને સફળતા નિષ્ફળતા મળે છે. એનું દૃષ્ટાંત આપતાં તેઓ જણાવે છે કે એક વૃદ્ધ એંશી વર્ષની ઉંમરે પણ તલવારની ધાર કાઢવામાં આવી, ત્યારે તેણે કહ્યું કે, 'આખી જિંદગી તેણે આ કાર્ય પર જ પોતાનું ધ્યાન
એકાગ્ર કર્યું હતું.'

ચાર્લ્સ કિંગલી કહે છે કે 'જ્યારે હું કોઈ પણ કાર્યને હાથમાં હોઉં છું ત્યારે એવી રીતે કરું છું કે જાણે સંસારમાં બીજું કંઈ છે જ નહીં.' બધા પરિશ્રમી વ્યક્તિઓનું આ જ રહસ્ય છે.
જૈન શાસ્ત્રો પ્રમાણે એકાગ્રતા દ્વારા જ મન સ્થિર થઈ શકે, જેવી રીતે સંગીતના વાજિંત્રને ટ્યૂન કરવું પડે છે, તેવી રીતે મનને પણ એકાગ્રતા દ્વારા ટ્યૂન કરવું પડે છે.
સૂર્યનાં કિરણો જ્યારે લેન્સ પર પડીને કેન્દ્રીભૂત થાય છે, ત્યારે તેની નીચે રાખેલા કાગળને તે બાળી નાખે છે. તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે, ત્યારે તેમાં અદભૂત શક્તિ
પ્રગટ થાય છે.

એકાગ્રતાની શક્તિને કારણે જ અર્જુન મહાન ધનુર્ધર બન્યો. ગુરુ દ્રોણે બધાને નાપાસ કર્યા પણ અર્જુનને પાસ કર્યો, કારણ કે તેણે કહ્યું કે હું ફક્ત પક્ષીની આંખ જ જોઉં છું અને ખરેખર તેણે પછી પક્ષીની આંખ વિંધી. તેવી જ રીતે દ્રૌપદીના સ્વયંવરમાં પાણીમાં પડતો માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વીંધી હતી.
માનવ પશુ કરતાં એની એકાગ્રતાને કારણે જ ચડિયાતો છે.

એક નાનકડો મહાવત મોટા હાથીને અંકુશમાં રાખી શકે છે, એ આ એકાગ્રતાને કારણે જ પશુ-પક્ષીઓમાં મનની એકાગ્રતા બહુ જ અલ્પ હોય છે. એટલે એમને સરકસમાં તાલીમ આપવી અઘરી પડે છે. એક સાધારણ વિદ્યાર્થી અને હોંશિયાર વિદ્યાર્થીમાં અંતર શેનું છે? એકાગ્રતાનું જ. જે વ્યક્તિમાં જેટલી એકાગ્રતા વધે તેટલી તે મહાન બને છે. દરેક મહાન વ્યક્તિની સફળતાનું રહસ્ય છે, એકાગ્રતા. એક મહાન કવિ, મહાન લેખક, મહાન કલાકાર, મહાન સંગીતકાર, મહાન વૈજ્ઞાનિક, મહાન વેપારી, મહાન વિદ્યાર્થી, આ બધા મનની એકાગ્રતા દ્વારા જ મહાનતાના શિખરે પહોંચ્યા છે.

ટેસ્ટમેચોમાં સહુથી વધુ રન કરી વિશ્વ રેકોર્ડ કરનાર સુનીલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં કહ્યું હતું કે તે બચપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો - તેનું એક જ ધ્યેય હતું મહાન ક્રિકેટ પ્લેયર બનવું. સાધનોના અભાવમાં તે શેરીમાં જ સાધારણ બેટથી રમતો. આમ રમતાં તેણે પડોશીઓના ઘરની બારીના કેટલાય કાચ તોડ્યા હતા!

--- સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ આશ્રમ)
(નવ ગુજરાત સમય  - બોધિવૃક્ષ - ૨૧/૦૬/૨૦૧૫ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો