શુક્રવાર, 12 જૂન, 2015

"જે માર્ગે જવું ત્યાં સહેજ પણ ખચકાટ વિના જવું"

પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કન્ફ્યૂશ્યસ કરતા નહીં
કોઈ પણ ચબરાકીભર્યું તત્ત્વચિંતન ધરાવતું વાક્ય કોણે લખ્યું છે એ શોધવાની તમારે મહેનત ન કરવી હોય ત્યારે એ ક્વોટેશનની નીચે કન્ફ્યૂશ્યસનું નામ લખી દેતા ઘણાને મેં જોયા છે. કન્ફ્યૂશ્યસ, બર્નાર્ડ શો, ર્ચિચલ, માર્ક ટ્વેન કે ગાંધીજીના નામે ચડેલાં અડધોઅડધ સુવાક્યો એમનાં પોતાનાં નહીં હોય. સોર્સ જાણ્યા વિના આડેધડ આ કે અન્ય મહાપુરુષોને ટાંકવા અપરાધ છે.
કન્ફ્યૂશ્યસની અનેક સૂક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું? ચીનના આ વિચારક, તત્ત્વચિંતકની અટક ક્યુ હતી. અઢી હજાર વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે ૫૫૧માં એમનો જન્મ અને ૭૩ વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ૪૭૯માં એમનું અવસાન. ચાણક્યની જેમ કન્ફ્યૂશ્યસ રાજનીતિના પણ અચ્છા જાણકાર હતા. શિક્ષણશાસ્ત્રના જ્ઞાાતા તો હતા જ. ચીનમાં સૌ પ્રથમ વાર એમણે ખાનગી (અર્થાત્ પ્રાઇવેટ, સિક્રેટ નહીં) કે શાસનની મહેરબાની વિના ચાલતી શાળાઓમાં વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા શરૂ કરી.
પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. કન્ફ્યૂશ્યસે પોતે બાળપણમાં કુટુંબમાં ગરીબી હતી એટલે કિશોર અવસ્થામાં જ ખપ પૂરતી એક સરકારી નોકરી લઈ લીધી હતી. વર્ષો સુધી રાજ્યમાં ઊંચાં પદો શોભાવ્યાં પછી પચાસેક વર્ષની ઉંમરે લુ રાજ્યના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડયું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુ રાજ્યના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા.
કન્ફ્યૂશ્યસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું, ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ. આ ગ્રંથો હતાઃ ૧ 'કાવ્યગ્રથ' જેમાં કવિતાઓ, ગીતો તેમજ ચીની ભજનોનું સંકલન છે. ૨. 'ઇતિહાસગ્રંથ' જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. 'કર્મકાંડનો ગ્રંથ' જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૪. 'વસંત અને પાનખરની તવારીખ'ના નાામે પ્રચલિત છે, જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. 'પરિવર્તન વિશેનો ગ્રથ' જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્વ વિશેના કાયમી તેમજ બદલતાં તત્ત્વોની, વિચારોની છણાવટ છે.
આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં કન્ફ્યૂશ્યસના મૌલિક વિચારો દ્વારા થતાં વિશ્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. કન્ફ્યૂશ્યસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારો એકત્રિત કરીને 'કન્ફ્યૂશ્યસનાં બોધવચનો' નામનો ગ્રંથ તૈયાર કર્યો. કન્ફ્યૂશ્યસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બેહજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઇતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.
કન્ફ્યૂશ્યસની અવલોકન શક્તિ અદ્ભુત હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી તેઓ શીખતા રહેતા અને કહેતાં, "જો હું બે માણસની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું અને બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં."
ચિંતકો-વિચારકોમાં સામાન્યતઃ જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો કન્ફ્યૂશ્યસમાં અભાવ છે. એ કહે છેઃ "હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્વરીય વિદ્વત્તા છે કે હું સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાનું હોય તો માત્ર હું એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું, તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!"
કન્ફ્યૂશ્યસના આ વચન વિશે એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણી કરી, "પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો અસમર્થ છીએ."
કેટલાય લોકોની ફરિયાદ હોય છે, "મને કોઈ સમજી શકતું નથી." આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને કન્ફ્યૂશ્યસની આ વાત યાદ રાખવા જેવી છે. "બીજાઓ મને ન ઓળખે તેનું દુઃખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુઃખ થાય."
શિષ્યોનાં ટોળેટોળાં ભેગાં કરવામાં માનનારા મહારાજો-પંડિતો એવો વિવેક દાખવતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં.
કન્ફ્યૂશ્યસ આ બાબતમાં તદ્દન સ્પષ્ટ છે. "જેઓ બોધ ગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી, પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી, અમુક વિષયની એક દિશા હું દેખાડુું એ પછી બાકીની ત્રણ દિશાને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતી નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી."
એક વખત કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ સ્થાનિક માણસે બૂમ પાડીને વ્યંગમાં કહ્યું, "મહાન કન્ફ્યૂશ્યસ આવા તે વળી કેવા ફિલસૂફ! પોતે મહાપંડિત હોવા છતાં ખૂબ બધી આમદની મળે એવી નોકરી દ્વારા કીર્તિ હાંસલ કરી શકે એવી એમનામાં કોઈ લાયકાત નથી!"
આ સાંભળી કન્ફ્યૂશ્યસ પોતાના શિષ્યો તરફ વળ્યા અને બોલ્યા, "હું શું કામ નોકરી કરું? કાં તો હું સારથિ બનીને રથ હાંકું, કાં પછી યોદ્ધો બની જાઉં અને ધનુષ્ય લઈને બાણ છોડવા માંડું. હું તો રથ હાંકવાનું જ કામ કરીશ. કન્ફ્યૂશ્યસે શ્રીકૃષ્ણ, મહાભારત અને ભગવદ્ગીતા વિશે સાંભળ્યું હશે?"
લુ રાજ્યના રાજાએ જ્યારે એમને ન્યાયમંત્રીની જવાબદારી સોંપી હતી, ત્યારે કન્ફ્યૂશ્યસે પોતાની ફરજ બજાવતાં એક વખત કહ્યું હતું, "મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચઢિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે."
ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. કન્ફ્યૂશ્યસે કહ્યું, "મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસ કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે."
ડાયો માણસ બોલવામાં ધીમો અને કામ કરવામાં ઉતાવળો હોય છે એવું કન્ફ્યૂશ્યસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યનું નામ ફેન ચિહ. આ શિષ્યે પૂછયું, "ડહાપણ શેમાં રહેલું છે?" કન્ફ્યૂશ્યસે જવાબ આપ્યો, "મનુષ્યો સાથેના વહેવારમાં પ્રામાણિકતાને તમારું ધ્યેય બનાવો અને સઘળાં અલૌકિક તત્ત્વો પ્રત્યે આદર દાખવો, પણ તેમનાથી અળગા રહો ત્યારે તમે ડાયા કહેવાઓ."
રાજ્યના શાસકને કન્ફ્યૂશ્યસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છેઃ "ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયાસ ન કરો, એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો,એને કારણે મોટાં મોટાં કામ વણઉકેલ્યાં રહી જાય છે."
નૈતિક ગુણ વિશે એક શિષ્યે પૂછયું ત્યારે ગુરુ કન્ફયૂશ્યસે જવાબ આપ્યો, "જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે, એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય." લાગે છે કે કન્ફયૂશ્યસે ગીતા ચોક્કસ વાંચી છે.
માનવીના સદ્ગુણો વિશે વધુ ચિંતન કરતાં કન્ફ્યૂશ્યસે કહ્યું, "ઉચ્ચતર માનવી શાંત અને સ્વસ્થ હોય છે, નીચો માનવી જ સતત સંક્ષુબ્ધ અને ચિંતાગ્રસ્ત રહે છે."
ત્ઝુ કુંગ નામના એક અન્ય શિષ્યે ગુરુ કન્ફયૂશ્યસને મિત્રતા વિશે પૂછયું. ગુરુએ કહ્યું, "તમારા મિત્રની સાથે વાતચીત કરવામાં પ્રામાણિકતા રાખો, પણ એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતી વખતે સાવચેતી રાખજો. એ પ્રયાસ નિષ્ફળ જાય તો થોભી જજો,પણ તમારી સલાહનો એ સીધો અસ્વીકાર કરે એટલે સુધી વાત વધવા દેશો નહીં."
દોસ્તોમાં દોસ્તી ટકી રહે એ માટે કન્ફયૂશ્યસની આ સોનેરી સલાહ છેે: "કોઈનેય શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો."
મિત્રો વિશેની ગુરુજીની બીજી એક સૂક્તિઃ ત્રણ પ્રકારના મિત્ર હિતકારક છે. - પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે.-
ડોળઘાલુઓ, ગર્ભિત સૂચનો કરનારાઓ અને વાચાળ.
આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને ગુરુ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક - શિષ્ટ આચાર અને સંગીતની મજા મણવી,બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા
મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે, પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ આવી મજા આપે છે એમ માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એમ માનવું હાનિકારક છે.
રાજ્યશાસન વિશેની વધુ એક વાતઃ "પ્રજા સંતોષમાં રહે એ માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચઢાવવા અને સઘળાં દુષ્કૃત્ય કરનારાઓને રુખસદ આપવી.
શિષ્ય ફેન સિંહના બીજા એક પ્રશ્નના ઉકેલમાં કન્ફયૂશ્યસે કહ્યું હતું, "બીજાઓની સામેના વ્યવહારમાં પ્રામાણિક અને અંતરના અવાજને અનુસરો. જંગલી માણસોની વચ્ચે તમે હો ત્યારે પણ આ નિયમોને વળગી રહો."
આ ઉત્તરનો ઉત્તરાર્ધ વધારે ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે તો ભાઈ, જેવા સાથે તેવા થઈએ એવું સૂત્ર આજકાલ સૌની જીભે સાંભળવા મળે છે. એ જેટલો ખરાબ થશે એટલા ખરાબ થતાં મને પણ આવડે છે એવું માનીને વ્યવહાર કરનારાઓ ભૂલી જતાં હોય છે કે એના ખરાબ વ્યવહારનો આ ઇલાજ નથી. બહુ બહુ તો તમે એની સામેનો સંબંધ અટકાવી દો, પણ મામૂલી વાતોમાં વેર લેવાની ભાવના માણસમાં એટલી પ્રબળ હોય છે કે આજે નહીં તો કાલે, લાગ મળે એને જરૂર બતાવી દઈશ એવો ભાવ મનમાં ઘૂંટાયા કરે છે. આ ભાવને કારણે જીવનની મકસદ ભુલાઈ જાય છે, મંજિલ બદલાઈ જાય છે.
કન્ફ્યૂશ્યસનાં બે અંતિમ વચનઃ૧. શીખવું અને શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવે અમલમાં મૂકવું એ જ શું ખરેખર આનંદની વાત નથી? ૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાાન અને સાચદિલી વિનાની સાદાઈ- આવાં લક્ષણો મારી સમજણમાં ઊતરતાં નથી!
સાયલન્સ પ્લીઝ
કશુંક કૃત્ય કરવા બદલ શરમ આવવી એ નૈતિકતાની નિશાની છે.
કોલિન ટોવેલ
(અમેરકન આર્મીના ભૂતપૂર્વ જનરલ)
લાઉડમાઉથ : સૌરભ શાહ
( સંદેશ - ૧૧/૦૬/૨૦૧૫)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો