ગુરુવાર, 18 જૂન, 2015

જીવનમાં પ્રેમ રાખી, માણસને ખામીઓ સાથે સ્વીકારો, આપણે ક્યાં પૂર્ણ છીએ?

तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ 
અર્થાત્ હું જ સૂર્યરૂપે તપું છું, વર્ષાનું આકર્ષણ કરું છું અને તેને વરસાવું છું. હે અર્જુન! હું જ અમૃત અને મૃત્યુ છું અને સત્-અસત્ પણ હું જ છું.


કબીરના નામે એક પદ છે-
 चलो,जाइए गुरु के द्वार, 
साधो,जाइए गुरु के द्वार... 

ગુરુના ઘરનો નક્શો કેવો છે? કબીર કહે છે- 
निजता नीव है, प्रेम पीठिका, अखंड अभेद दीवार | 
मुक्ति द्वार है,कारन किवाड़ छे, वातायन विचार | 

કબીરે મકાન શરૂ કર્યું પાયાથી. નિજતા નીવ છે,ગુરુના ઘરનો પાયો શું છે? આપણી નિજતા,આપણો સ્વભાવ. તેથી જ તો 'ગીતા'કાર કહે છે કે, 'स्वधर्मे निधनं श्रेय |' આપણા ઘરમાં એક ગુરુ બેઠો છે. એનો પાયો નિજતા છે. નિજતા ઉપર જ આ બધું ચાલે છે. આપણે તો ઉધારમાં જીવીએ છીએ, માન્યતા ઉપર આપણે જીવીએ છીએ. કોઈએ કહ્યું અને આપણે માની લીધું! બુદ્ધ કહે છે ને કે,આંગળી તો ચંદ્ર બતાવવા ઊઠી હતી અને લોકોએ આંગળીને જ ચાંદ માની લીધો! શાસ્ત્ર સંકેત છે. સંકેતને સમજીને આપણે આંખો તો આપણી જ ખોલવી પડે છે. હું વારંવાર કહું છું કે કોઈનાં અદ્‌ભુત હોય,પરંતુ એ ચરણનો સ્પર્શ કરવા માટે,એને જોવા માટે જવું હશે ત્યારે તો આપણાં ચરણથી જ જવું પડશે. માનો કે કોઈની આંખો બહુ જ પ્યારી છે,એને જોવા માટે તો આપણી જ આંખો જરૂરી છે. 

જે નિજતાને આપમેળે વિકસિત નથી કરતા,એને અસ્તિત્વ બહુ આદર નથી આપતું. આપણે ઉધારમાં જીવી રહ્યા છીએ,બીતાંબીતાં જીવી રહ્યાં છીએ. લોભ કે ભયને લીધે નિજતા ખોવાઈ ગઈ છે! 

તો,નિજતા પાયો છે. પ્રેમ પીઠીકા.' પાયો થયો,પ્લીન્થ બની ગઈ,હવે દીવાર તો હોવી જોઈએ ને? કેટલી અદ્‌ભુત વાત છે! 'અખંડ અભેદ દીવાર.' બધી જ સીમાઓને આદર આપતી ગુરુની દીવાલ અખંડ અને અભેદ હોય છે. ત્યાં કોઈ ભેદ નથી હોતો. 'ડોમેસ્ટિક વોલ્સ' તો હોતી જ નથી. ન વર્ગભેદ હોય છે, ન વર્ણભેદ હોય છે,ન ધર્મભેદ હોય છે; ત્યાં કેવળ પરમતત્વ પ્રધાન છે. આપણો અભેદભાવ અખંડ નથી. 'અખંડ' શબ્દ સમજીને પ્રયોજ્યો છે. આપણે મંચ પર અખંડની ચર્ચા કરીએ છીએ,પરંતુ ત્યાંથી ઊતરીને ફરી પાછા એ જ ભેદ! સદ્‌ગુરુના ઘરની દીવાલ અખંડ અભેદની છે. જો ગુરુના ઘરનો પરિચય કરવો હોય તો સૂક્ષ્મ નજરથી જોવું,એ જાગૃત પુરુષના મનમાં ક્યાંય ભેદ તો નથી ને? જલદી જલદી કોઈના પગ ન પકડવા. તમે બરાબર ઓળખો. મંદિરમાં આપણે પરિક્રમા કરીએ છીએ એ શું છે? પરમાત્મા આપણને એક શિખામણ આપે છે કે તું દર્શન કરવા કે શરણાગત થવા આવ્યો છે,પરંતુ પહેલાં તું મને ચારેબાજુથી જોઈ લે. સ્વામી રામતીર્થ જયારે જંગલમાં,મસ્તીમાં પડ્યા રહેતા'તા ત્યારે કોઈ પગ પકડવા આવતું તો કહેતાં'તા કે 'આટલા જલ્દી પગ પકડ મા.' અને આપણે ત્યાં તો પગ પકડવાનું નેટવર્ક ઊભું કરાય છે! હું કહેતો રહું છું,વક્તાને ન પકડો, વક્તવ્યને પકડો. વક્તા ધોખો દઈ શકે છે. જો પ્રેમ કરતા હો,તો માણસને એની ખામીઓ સાથે સ્વીકારતા શીખો. આપણે ક્યાં પૂર્ણ છીએ? 

સાધુનાં ઘરે કોઈ ભેદ નથી હોતો. અખંડ અભેદ. મંચ પર જુદાં જુદાં ધર્મનોના અગ્રણી એકઠા થાય છે ત્યારે સૌ એટલી વિશાળતાથી બોલે છે કે એમ લાગે કે કાલથી રામરાજ્ય શરૂ થઇ જશે! પરંતુ પછી સૌ પોતપોતાના ગ્રુપમાં જાય છે ત્યારે ફરી પાછાં એ જ ભેદ,એ જ સંકીર્ણતા! 
अगर तू बस्तीमे पलता है, तो विराने में कौन? 
अगर तू तसबीह के एक दाने में है, तो दाने दाने में कौन? 

ગુડગાંવની કથામાં આપણે નિર્ણય કરીએ કે જ્યાં સુધી ચેતનાની જાગૃતિ રહેશે ત્યાં સુધી વિભાજનથી દૂર રહીશું. દ્વૈત ક્રોધ પેદા કરે છે અને ક્રોધ માણસને ચાંડાલ બનાવી દે છે. હું તમને અંગત પ્રાર્થના કરું કે કોઈ પણ વ્યક્તિની બાબતમાં ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના આચરણને જોઈને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો; કોઈના વક્તવ્યને સાંભળીને પણ ભેદબુદ્ધિથી નિર્ણય ન કરશો. એને પૂરો ઓળખ્યા વિના નિર્ણય ન કરો,ઉતાવળ ન કરો. હું તો એટલું જ સમજુ છું કે બીજાને જે હલકો માને એના જેવો વિશ્વમાં બીજો કોઈ હલકો નથી. મારું 'માનસ' તો કહે છે- 
सीय राममय सब जग जानी | 
करउं प्रनाम जोरि जुग पानी || 

જો બોધ થયો છે તો વિરોધ કેવો? બુદ્ધનાં કદમ અંગુલિમાલ તરફ પણ એટલા જ વાત્સલ્યથી જઈ રહ્યા હતા. એક શે'ર મેં લખી લીધો છે- 
जिस प्यार की उम्रभर तलाश रही, 
इस जमीं पर तो नही, शायद आसमां में हो | 
આ નિરાશા છે. આકાશમાં કાંઈ નથી. જે છે એ અહીં છે. આપણી પૃથ્વી બહુ જ પ્યારી છે. આપણી સંકીર્ણતાને કારણે આ બધું થઇ રહ્યું છે! ધ્રુવ ભટ્ટની રાધા કહે છે કે,અમને બહુ મોડું સમજાયું કે પ્રેમ પરમાત્મા સાથે નથી થઇ શકતો,માણસ સાથે જ થઇ શકે છે. આપણને ગમે તેને પ્રમાણપત્ર આપવાની ઉતાવળ છે! પ્લીઝ ઉતાવળ ન કરો,અને પ્રમાણપત્ર આપનારા આપણે કોણ? 
(સંકલન : જયદેવ માંકડ)


માનસ મંદાકિની - મોરારીબાપુ 
નવગુજરાત સમય - બોધિવૃક્ષ - ૦૪/૦૬/૨૦૧૫  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો