મંગળવાર, 16 જૂન, 2015

તમે સારામાં સારા શું બની શકો તેમ છો?

If this is God’s world, there are no unimportant people.
- Rt. Hon. George Thomas
કુદરત એક જેવો બીજો નમૂનો બનાવતી નથી. એક જેવો બીજો મનુષ્ય કે પ્રાણી તો ઠીક, એક જેવું આબેહૂબ બીજું વૃક્ષ કે જંતુ પણ પેદા થતું નથી. કરોડો વર્ષથી આ ક્રિયા ચાલુ છે. હજી કુદરતનો ખજાનો ખૂટયો નથી અને કરોડો વર્ષ પછી પણ ખૂટવાનો નથી.
કોઈ બે મનુષ્યના માત્ર ચહેરા જ જુદા હોય છે, એવું નથી. હાથની રેખાઓ, અંગૂઠા, આંગળીઓ, નાક, દાંત, શ્રવણશક્તિ, દૃષ્ટિ, બધું જ ભિન્ન હોય છે. સમય સતત વહ્યા જ કરે છે અને પરિસ્થિતિ બદલાયા જ કરે છે. પ્રતિક્ષણે ઊભી થતી નવી પરિસ્થિતિ માટે કુદરત નવા જીવોનું નિર્માણ કર્યા કરે છે, એટલું જ નહીં, નવી રીતે નિર્માણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ તેની પોતાની રીતે એક અને અનોખો હોય છે. કારીગર પોતાના કામ માટે જુદા જુદા પ્રકારનાં અને જુદાં જુદાં માપનાં હથિયારો વાપરે છે એમ કુદરત પણ પોતાના કામ માટે જુદા જુદા જીવોનો ઉપયોગ કરે છે. તેના આ કામ વિષે આપણે બહુ જ ઓછું જાણી શકીએ છીએ, કારણ કે સર્જનની આ લીલા અગાધ અને અટપટી છે, પરંતુ એટલું આપણે જાણીએ છીએ કે, આપણે આવી કોઈક વિશાળ લીલાનો ભાગ છીએ અને બીજાથી જુદા, વિશિષ્ટ, એક અને અનોખા છીએ.
અને એટલે જ આપણા સમયની એક બહુ મોટી સમસ્યા આપણી જીવનરીતિને એકસરખી બનાવવામાંથી સર્જાય છે. આવું બે રીતે બને છે. એક તો સમાજ અને સરકાર (પછી તે ગમે તે દેશની હોય) આપણા જીવનને એક જ બીબામાં ઢાળવા પ્રયત્ન કરે છે,અમુક પ્રકારનું રેજિમેન્ટેશન દાખલ કરે છે ત્યારે અને બીજું આપણે પોતે જ્યારે બીજા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે.
સરકાર કે સમાજ જે એકસરખાપણું આપણા ઉપર લાદે છે તેને દૂર કરવાની એક વ્યક્તિ તરીકે આપણી પાસે શક્તિ હોતી નથી,એટલે તે સ્વીકારીને જ ચાલવું પડે છે, પરંતુ આપણે પોતે બીજા જેવા બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાંથી આપણે જરૂર છૂટી શકીએ છીએ.
ર્ડાિવનના નેચરલ સિલેક્શનના નિયમ પ્રમાણે, કુદરત જે ઉત્તમ હોય તેનો જ પોતાના કામ માટે ઉપયોગ કરે છે. તેને જ જીવન જીવવાનો અધિકાર આપે છે. આનો અર્થ એવો ન કરવો જોઈએ કે કુદરત તગડા, પઠ્ઠા, મજબૂત હોય તેને જ જીવવા દે છે. આનો અર્થ એવો છે કે જે પરિસ્થિતિમાં જે સૌથી યોગ્ય હોય તેને જ કુદરત પસંદ કરે છે. આ તો સ્વાભાવિક છે. કારીગર હંમેશાં ઉત્તમ હથિયાર જ પસંદ કરે છે, પરંતુ આમાં યોગ્યતાની જે વાત છે તે બહુ જ અટપટી છે, કારણ કે એમાં સંકળાયેલ વિશિષ્ટ પરિસ્થિતિ,એ પરિસ્થિતિમાં જીવની વિશિષ્ટ પ્રકારની યોગ્યતા અને એ યોગ્યતા નક્કી કરવા પાછળનો કુદરતનો હેતું, એ બધી બાબતો વિષે આપણે ભાગ્યે જ કશું જાણી શકીએ છીએ.
અમેરિકાના ર્જ્યોિજયા પરગણાના સેનેટર એલેક્ઝાન્ડર સ્ટીવન્સનું કદ ખૂબ જ નાનું અને વજન પણ ઘણું જ ઓછું હતું, પરંતુ બુદ્ધિ તીવ્ર હતી. એક વાર ચર્ચાની ગરમીમાં એક મોટા, ઊંચા, તગડા કોંગ્રેસમેને એના તરફ દાંતિયું કર્યું, "એવો ગુસ્સો ચડે છે કે, તને આખો ને આખો ગળી જાઉં!"
સ્ટીવન્સે સહીને કહ્યું, "તો, તારા માથામાં છે એ કરતાં પેટમાં બુદ્ધિનું પ્રમાણ વધી જાય!"
કોનો, ક્યાં, કોઈ જાતનો ઉપયોગ છે તે આપણે જાણતા નથી. કુદરત તગડાને અમુક કારણે જીવવા દે છે તો દૂબળા અને બુદ્ધિશાળીની પસંદગી બીજાં જ કોઈક કારણોસર કરે છે. એમાં એટલી બધી વિવિધતા હોય છે અને એટલા બધા મુદ્દાઓ સંકળાયેલા હોય છે કે નેચરલ સિલેક્શન બાબતાં કોઈ એક નિયમ આપણે તારવી શકતા નથી. માત્ર એટલું જાણી શકીએ છીએ કે કુદરતમાં આવું કોઈક સિલેક્શન કામ કરી રહ્યું છે.
અને કબીર કહે છે કે તેમ, "જહાં કામ આવે સૂઈ, ક્યા કરે તલવારી?" જ્યાં સોય કામ આવે તેમ હોય ત્યાં તલવારનો શું ઉપયોગ?
આપણે સોય હોઈએ તો સોય, નાના હોઈએ તો નાના, ઝીણા હોઈએ તો ઝીણા, એ રીતે જ આપણે ઉપયોગી થઈ શકીએ તેમ છીએ. આપણે તલવાર બનવાની ચેષ્ટા શા માટે કરવી? કારણ કે સોયનો જ્યાં ઉપયોગ કરવાનો હશે, ત્યાં તલવાર શું ઉપયોગમાં આવવાની છે? તલવારનું કામ તલવાર કરતી હશે, પણ એથી કાંઈ એનું મહત્ત્વ વધી જતું નથી. કદમાં એ મોટી હશે, તેજ,ચમકદાર હશે, પણ એક નાનકડું કપડું પણ એ સાંધી શકશે નહીં. એનું તેજ કે એની ચમક જોઈને સોયને શરમાવાની જરૂર નથી,ઓજપાવાની જરૂર નથી, પોતાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી અને સૌથી વધુ તો, તલવારની ઈર્ષા કરવાની કે તલવાર બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.
જે જ્યાં છે અને જે છે, તે રહીને જ જીવનની આ વિશાળ લીલામાં યોગ્ય ભાગ લઈ શકે છે. બીજા જેવા બનવાની એને જરૂર નથી,કારણ કે તે એક અને વિશિષ્ટ છે. કુદરતે એનું એ રીતે જ નિર્માણ કર્યું છે. એને બીજા જેવા નહીં, પણ પોતાના જેવા બનવાની જરૂર અને ઉત્તમ રીતે પોતાના જેવા બનવાની જરૂર છે. આ જ એના જીવનનો એકમાત્ર હેતુ હોઈ શકે છે.
પરંતુ માણસ પોતાના જેવો બનવાના બદલે બીજા દેવો બનવા પ્રયત્ન કરે છે. એક નિરર્થક હરીફાઈમાં એ દોડવાનું શરૂ કરે છે. બીજા જેવો એ ક્યારેય બની શકતો જ નથી. પરિણામે એને દુઃખ, બળતરા અને અશાંતિ જ મળે છે.
આપણે આપણી પોતાની સામે ભાગ્યે જ નજર કરીએ છીએ. આપણી પોતાની મૂડીનો ભાગ્યે જ ખ્યાલ કરીએ છીએ. આપણે તો બીજા સામે નજર કરીને, આપણું જીવન ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ.
મોટાભાગના માણસોને બીજા કોઈકની પ્રશંસા, બીજા કોઈકની હરીફાઈ, બીજાની ઈર્ષા જિંદગીના ખોટા માર્ગે દોડાવી જાય છે,પરંતુ ત્યાં તેમને માટે સુખ કે સંતોષના બદલે ખાલીપો અને નિરાશા જ પડયાં હોય છે.
માણસ જ્યારે પોતાના પિંડને અનુરૂપ, 'સ્વ'ભાવને અનુરૂપ કામ કરે છે, ત્યારે જ તેમાંથી તેને સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. બીજાની દેખાદેખી કે બીજાની પ્રશંસામાંથી તે ક્યારેય મળતાં નથી.
અને દરેક વ્યક્તિમાં કોઈક વિશિષ્ટતા તો હોય જ છે. એની એ વિશિષ્ટતા જ એની સાચી મૂડી હોય છે.
જોકે, હમણાં મારા એક મિત્રે મને આ રીતે કહ્યું હતું, "મારામાં તો કોઈ વિશિષ્ટતા નથી, કોઈ શક્તિ નથી, હું શું બની શકું? હું લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, પોલિટિશિયન, વેપારી, ઉદ્યોગપતિ, વૈજ્ઞાાનિક કશું જ બની શકું તેમ નથી. હું એક સામાન્ય માણસ છું."
એમની વાત એકદમ વિચાર કરવા જેવી છે. હજારો લાખો માણસોને એમ થાય છે કે, અમારામાં તો કોઈ વિશિષ્ટ શક્તિ નથી. અમે વળી શું બની શકીએ? અમે તો સામાન્ય માણસ છીએ, પરંતુ વિશિષ્ટ શક્તિ એટલે શું? માત્ર લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, કલાકાર, વિજ્ઞાાની બનવાની શક્તિ જેનામાં હોય એ જ વિશિષ્ટ શક્તિ ગણાય?
આ એક ભ્રમ છે અને આપણે ઊભાં કરેલાં ખોટાં જીવનમૂલ્યો ઉપર એ આધારિત છે. અમુક માણસોને આપણે સમાજમાં મહત્ત્વનું સ્થાન આપીએ છીએ. એને કારણે બીજા હજારો માણસો શક્તિ નહીં હોવા છતાં એમના જેવા બનવા પ્રયત્ન કરે છે અને એમની જિંદગી બરબાદ કરે છે. બહારથી એવા દેખાવા છતાં અને ઘણી વાર એવા હોવાની પ્રશંસા મેળવ્યા છતાં, એમની જિંદગી તો બરબાદ જ થાય છે, કારણ કે ખરેખર તેઓ એવા હોતા નથી. મનુષ્યનું મનુષ્ય હોવું અને બીજા કરતાં હોવું એ જ એની વિશિષ્ટતા છે.
સોક્રેટિસ કવિ નહોતો, ચિત્રકાર નહોતો, વિજ્ઞાાની નહોતો, છતાં એને આપણે યાદ કરીએ છીએ. કોઈ કહે કે, તે તો વિચારક અને ફિલસૂફ હતો.
મહાત્મા ગાંધી સંગીતકાર નહોતા, વિજ્ઞાાની નહોતા, કલાકાર નહોતા, સાહિત્ય, કલા, વિજ્ઞાાન, સંગીત, કોઈ ક્ષેત્રમાં એમનું કોઈ મૌલિક પ્રદાન નથી, ફિલસૂફના ક્ષેત્રમાં પણ નહીં છતાં માનવતાના ક્ષેત્રમાં એમણે જે પ્રદાન કર્યું છે તે કેવડું મોટું છે?
કોઈ એમ પણ કહી શકે કે, એ તો મહાત્મા હતા, મહાન હતા. બધા કાંઈ થોડા મહાત્મા ગાંધી, સોક્રેટિસ કે બુદ્ધ બની શકે?
બધા ચોક્કસ ગાંધી કે બુદ્ધ ન બની શકે, (કારણ કે એ તો માત્ર એમની વિશિષ્ટતા હતી), પરંતુ કોઈ પણ માણસ એ જે કાંઈ હોય તે 'સારામાં સારો' તો બની જ શકે અને કોઈ પણ સામાન્ય માણસમાં એની પોતાની જ કહી શકાય તેવી વિશિષ્ટતા અને અસામાન્યપણું તો હોય જ છે.
અને ખરાબ સંગીતકાર બનવા કરતાં સારા કારીગર બનવું સારું. કોઈ પણ વ્યક્તિ સારી ગૃહિણી, સારા પતિ કે પત્ની, સારાં માતા-પિતા, સારા મિત્ર કે સારા પાડોશી તો જરૂર બની શકે.
"હું તો સામાન્ય માણસ છું." એમ જ્યારે કોઈ કહે છે ત્યારે, 'માણસ' હોવું એટલે શું એની એને ખબર નથી હોતી.
પ્લેટોએ એક નાનકડી કથા લખી છે. એમાં પરલોકના જીવો આ ધરતી ઉપર આવીને જુદાં જુદાં ખોળિયાં ધારણ કરી, જુદાં જુદાં કાર્યો કરવાનાં શરૂ કરે છે. કોઈક કવિનું ખોળિયું ધારણ કરે છે, કોઈક કલાકારનું. આખરે, યુલિસિસ ધરતી પર આવે છે. "ઓહ!" તે કહે છે, "બધાં જ ઉત્તમ ખોળિયાં કામે લેવાઈ ગયાં છે, મહાન કાર્યો થઈ રહ્યાં છે. મારા માટે બાકી કશું જ રહ્યું નથી."
એ વખતે આકાશવાણી સંભળાય છે, 'જે ઉત્તમ છે, તે તારા માટે બાકી રહ્યું છે- એક સામાન્ય માણસનું ખોળિયું. એ ખોળિયામાં રહીને તારે સામાન્ય ભલાઈનું, સામાન્ય કામ કરવાનું છે.'
જે આપણને સામાન્ય લાગતું હોય છે તે ખરેખર અસામાન્ય હોય છે. ઉત્તમ પુરુષો જ તે કરી શકે છે.
આપણે જે કાંઈ હોઈએ તે સારામાં સારા બનીએ, જે કામ કરીએ તે સારામાં સારી રીતે કરીએ. જ્યાં રહીએ ત્યાં સારામાં સારી રીતે રહીએ. જીવનની આ લીલામાં આપણું પોતાનું સ્થાન આપણે શોધી લઈએ અને તેને દીપાવીએ.
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
(સંદેશ ૧૪/૦૬/૨૦૧૫ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો