મંગળવાર, 2 નવેમ્બર, 2010

આખા ને આખા માણસની કેળવણી

ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.

સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?

આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.

એક જમાનામાં ચરખા પર સૂતર કંતાતું હતું. આજે ઘટમાળના ચરખા પર માણસ કંતાઈ રહ્યો છે. વ્યક્તિત્વના ટુકડા પડવા લાગે ત્યારે માણસ છિન્નભિન્ન થઈ જાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ‘ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા’ યુદ્ધ, પ્રદૂષણ અને ત્રાસવાદ દ્વારા માનવજાતને પજવી રહ્યા છે. દુનિયા આજે એવી કેળવણીની શોધમાં છે, જે ખંડિતને અખંડિત બનાવે, જે પૃથકને અખિલ બનાવે અને જે તૂટેલું હોય એને જોડી આપે. આજની કેળવણી કેવળ મસ્તિષ્કને ધ્યાનમાં રાખનારી છે. કેળવણીમાં અખિલાઈની આરાધના થવી જોઈએ. ગાંધીજીએ જીવનનાં અલગ ખાનાં નહોતાં પાડ્યાં. ડૉ. ઝાકિર હુસેને પોતાના રિપોર્ટમાં નઈ તાલીમને ‘સમગ્ર વ્યક્તિત્વની સાક્ષરતા’ (લિટરસી ઑફ ધ હોલ પર્સનાલિટી) તરીકે પ્રમાણી હતી. ગાંધીજીએ નઈ તાલીમને પોતાના જીવનની ‘સર્વોત્તમ ભેટ’ તરીકે ઓળખાવેલી. જીવન અને શિક્ષણ વચ્ચેના છૂટાછેડા આજની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં છે. ગ્રીક પુરાણકથામાં અડધા અશ્વ અને અડધા માનવ એવા અશ્વમાનવ (હયવદન યાને સેન્ટોર)નો ઉલ્લેખ થયો છે. આજના યંત્રારૂઢ માનવી પાસે અશ્વનું શરીર છે અને માનવીનું ડોકું છે. યંત્ર માનવવત થતું જાય છે અને માનવ યંત્રવત થતો જાય છે.

નઈ તાલીમનું ગુરુત્વમધ્યબિંદુ રેંટિયો નથી, પણ સત્ય છે. રેંટિયો ઉપકરણ છે અને આદરણીય ઉપકરણ છે. ગમે તેટલું ઉપકારક હોય તોય કોઈ ઉપકરણ શાશ્વત ન હોઈ શકે. અમુક સદીમાં એ યુગાનુકૂલ હોઈ શકે છે. સત્ય સ્વભાવે શાશ્વત છે. ગાંધીજી અમર છે કારણ કે એમને સત્યનો સથવારો હતો. શું બુનિયાદી નિશાળનો શિક્ષક મહાત્મા બની શકે ? ભલે ન બને. એનાથી જૂઠું બોલાઈ જાય ત્યારે જો એને આખો દિવસ ખટકો રહે તો પણ બસ છે. ભૂલ તો સૌ કરે છે, પરંતુ ભૂલ થઈ જાય પછીનો ખટકો બડો મૂલ્યવાન છે. ગાંધીજી જેવા સત્યવાદી ન બનાય તો તે ક્ષમ્ય છે, પરંતુ શિક્ષકને જો ‘ખટકોદીક્ષા’ પ્રાપ્ત થાય તો એનો પ્રભાવ પડશે. કવિ સુન્દરમની ક્ષમાયાચના સાથે શિક્ષકે કહેવાનું છે : ‘હું શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !’

વર્ગખંડમાં આખો ને આખો શિક્ષક પ્રવેશે છે ખરો ? કે પછી એના વ્યક્તિત્વનો એકાદ ટુકડો જ વર્ગખંડમાં પ્રવેશે છે ? બાળકો તો આખા ને આખા બેઠા છે ! જે ખંડિત હોય તેનો પ્રભાવ અખંડિત પર શી રીતે પડે ? કોઈ શિક્ષક પ્રશ્નપત્ર ફોડી શકે ? જે કામ માટે આપણને પગાર મળે છે તે કામ પૂરી નિષ્ઠાથી કરવું એ તો સાવ નોર્મલ બાબત ગણાય. કામચોરી એટલે જ દાણચોરી અને દાણચોરી એટલે જ દિલચોરી ! આપણે ગાંધીજી નથી બનવાનું. આપણે જે ‘છીએ’ તે જ બનવાનું છે. બધું જ ફરજિયાત હોય એવી બુનિયાદી નિશાળ પણ આદર્શ જેલ બની શકે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણના આધારે ટકેલી છે. કેળવણી શિક્ષક પ્રત્યેના આદરણીય આકર્ષણ પર નભેલી છે. એ આકર્ષણ દિવ્ય છે. રાજાજીએ કહેલું કે શિક્ષણ તો ‘ચેતનાની ખેતી’ છે. નિષ્પ્રાણ કે મંદપ્રાણ શિક્ષક સમાજનો શત્રુ છે. નિશાળ તો ‘ગ્રામમાતા’ છે. સ્મિત ગુમાવી બેઠેલો નિર્જીવ શિક્ષક ચેતનાની ખેતી કરી શકે ? સ્મિતનું બાષ્પીભવન થઈ જાય ત્યારે જાણવું કે કોઈ આદર્શ આપણા સહજ, નિર્મળ આનંદને કચડી રહ્યો છે. સાચા શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી અંદરથી રહસ્યમય ખેંચાણ અનુભવે છે.

વર્ષો પહેલાં આચાર્ય કૃપાલાનીએ ‘બેઝિક એજ્યુકેશન : ધ લેટેસ્ટ ફેડ’ પુસ્તક લખેલું. એના મુખપૃષ્ઠ પર ટ્રેક્ટરની પાછળ દોડતા બળદનું ઠઠ્ઠાચિત્ર હતું. પુસ્તકમાં કૃપાલાનીજીએ કેળવણીમાં થતા ‘શબ્દોના જુલમ’ની વાત કરેલી. આજના માહિતીપ્રધાન શિક્ષણે એ જુલમમાં વધારો કર્યો તેથી પ્રતિક્રિયા રૂપે નવું સૂત્ર વહેતું થયું : ‘ભાર વગરનું ભણતર.’ માહિતી એ જ્ઞાન નથી અને જ્ઞાન એ શાણપણ નથી. ઈન્ટરનેટ શાણપણ ન આપી શકે. શાણપણનો સંબંધ ‘અંતરનેટ’ સાથે છે. ગુરુદેવે પ્રાર્થના કરી હતી : ‘અંતર મમ વિકસિત કરો.’ હૃદયની કેળવણી એ જ તો કેળવણીનું હૃદય છે. આજે શિક્ષણમાંથી હૃદયની બાદબાકી થઈ ગઈ છે. સન 1912માં મેડમ મેરિયા મોન્ટેસોરીએ કલાકો સુધી વર્ગમાં પાટલી પર ચોંટી રહેતાં નાનાં બાળકોને ‘ટાંકણી પર ટિંગાડી રાખેલાં પતંગિયાં.’ સાથે સરખાવેલાં. નિશાળો રળિયામણી બને તો જ શિક્ષણ આનંદમય બને. બધું જ્યાં ફરજિયાત હોય ત્યાંથી આનંદ ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સામ્યવાદી સમાજોમાં ચાલતી નિશાળોમાં કાર્લમાર્કસ વિદ્યાર્થીઓના માથા પર ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવતો. બધા વિષયોના અભ્યાસક્રમમાં માર્કસને પરાણે ઘુસાડી દેવામાં આવતો. આવું મહાત્મા ગાંધી માટે કરવાનું જરૂરી નથી. ગાંધીની સુગંધ આપણા પ્રચારની ઓશિયાળી નથી. લોકો વાતવાતમાં પૂછે છે : ‘એકવીસમી સદીમાં ખાદીનું ભવિષ્ય શું ?’ મારો જવાબ છે : ‘એકવીસમી સદીમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં સાઈકલનું ઉત્પાદન વધ્યું તેનું કારણ શું ? તમે મહુડી જાવ તો ત્યાં મળતી ગરમ ગરમ ગોળપાપડી જરૂર ખાજો. શું ચોકલેટના આક્રમણ સામે આરોગ્યદાયિની ગોળપાપડી ટકી શકશે ? શું કોકાકોલાના આક્રમણ સામે છાશ ટકી શકશે ? શું એટમિક રીએક્ટર સામે ગોબરગેસ ટકી શકશે ? હા, જરૂર ટકી શકશે. એલોપથીની સાથેસાથ આયુર્વેદનો વ્યાપ પશ્ચિમના દેશોમાં ખાસો વધ્યો છે. ઈસબગૂલ, હરડે અને આમળાનું મહત્વ વધતું જ રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ વધે તેની સાથોસાથ ધ્યાન અને યોગના ઉપકારો ઝટ સમજાય છે. ખાદી ફરજિયાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સમક્ષ ખાદીનું ઈકોલોજીકલ સૌંદર્ય પ્રગટ થાય તો ખાદી પહેરવાનું કહેવું જ ન પડે. ગાંધીજીના જીવનમાં એટલાં તો આકર્ષક તત્વો પડેલાં છે કે નવી પેઢી એમના પ્રત્યે જરૂર ખેંચાય. ગાંધીજી પ્રભાવશાળી ન હતા, એમની સત્યસાધના પ્રભાવશાળી હતી. જૂઠનો જથ્થો ઘટે તો જ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય. માર્કેટ અને મેનેજમેન્ટના પાયામાં પણ જૂઠ હોય તે ન ચાલે. વકીલાતમાં પણ જૂઠ ન ચાલે. રાજકારણમાં પણ અસત્યની બોલબાલા હોય તે ન ચાલે. શિક્ષણમાં તો જૂઠ ટકી જ ન શકે. માણસે મહાત્મા નથી બનવાનું. માણસે ‘માણસ’ બનવાનું છે. માણસના ટુકડા પડે તે યોગ્ય નથી. શિક્ષણ એટલે અખિલાઈની આરાધના.


– ગુણવંત શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો