બુધવાર, 17 નવેમ્બર, 2010

પ્રાર્થના સમર્પણનું સરનામું છે

નવું વર્ષ ઊજવી રહ્યાં છીએ. જુના થઈ ગયેલાઓને આ દિવસો સાજા સમા, તાજા-માજા કરવાના દિવસો છે. આ દિવસો આત્માને ઢંઢોળવાના દિવસો છે. નવા વર્ષને વ્હાલથી વધાવવાના અને પ્રાર્થના કરીને આત્મવિશ્વાસ વધારવાના દિવસો છે. આપણે પણ એ પ્રાર્થનાઓમાં આપણા માણસપણાને મમળાવીએ...
*
જેવો છું એવો આવીને ઊભો છું. ઊભો ઊભો રાહ જોઉં છું તારી. તું આવે તો પ્રતીક્ષા પુરી થશે અને સ્મરણ શરૂ થશે. અને સ્મરણ વચ્ચેના સમયમાં તારું મળવું પાણી પર તરતા દિવડા જેવું ઝલમલ હશે તો ચાલશે... પ્રાર્થના તારા હોવાનું આશ્વાસન છે...
*
સ્તુતિ કે મંત્ર બોલીને તને લજવાનો મહાવરો આ દુનિયાને હસ્તગત છે. હું પણ એમા સામેલ છું. પણ તને કવિતા લખીને ઊજવવો છે. તું મારી પરીક્ષા કરે છે. હું તારી પ્રતિક્ષા કરું છું. આપણો પ્રાસ મળે છે એટલી જ સહજ રીતે શ્વાસ પણ મળે છે. જોને, ધબકારા મારા નામે છે અને એમાં સંભળાય છે તારો અવાજ... એ અવાજ જ પછી કવિતાનો લય બને છે... પ્રાર્થના મારું પળેપળનું ચિંતન-મનન છે...
*
તું વાયદો આપીને ફરી જાય છે ત્યારે મૃત્યુને મઝા પડે છે. વેરાઈ ગયેલી ક્ષણોને ભેગી કરીને મને સોંપવાને બદલે તું વેરણ છેરણ રાખે છે. દુઃખમાં તારું સ્મરણ તીવ્ર હોય છે એ સાચું પણ સુખમાં તારો ઉત્સવ ઊજવીને તારામાં રમમાણ રહું છું એનાથી તો તું પણ વાકેફ છે... પરીઓની કથાઓમાં જે પ્રસંગ વણવાનો બાકી રહી જાય છે એ પછી જીવન બને છે અને પ્રાર્થના અજવાળાનું અનુસંધાન સપ્રમાણ જાળવી રાખે છે. પ્રાપ્તિની ચરમસીમાએ પ્રાર્થનાનો આસ્વાદ આપણો સ્વભાવ બની જાય છે.
નવા વર્ષનો પ્રારંભ કરાવ્યો છે તે! એને કાયમ ઝગમગતું પણ તું જ રાખજે! અમારી નિષ્ફળતાઓ બીજાની સફળતા બને છે. એમાં પણ અમે ખુશ જ છીએ. ઈર્ષા કરનારાઓને અમારી માણસાઈની ખબર નથી! તારી પ્રાર્થનામાંથી અમે આ શિખ્યા છીએ. એ લોકો તારી પ્રાર્થના કરે છે પણ શિખવાનું બાકી રહી ગયું છે. ખાલી માણસ વધારે બોલતો હોય છે. ભરેલો માણસ યોગ્યતા પ્રમાણેનું બોલે છે. તારી પ્રાર્થના અમે બોલવા અને મૌન રહેવાની વચ્ચે શાંત થઈ જવા માટે કરીએ છીએ... અમારી નિખાલસતા અમારી પ્રાર્થના જ છે...
*
પાસે રહેલા બે દિવડાઓનું અજવાળું ઝઘડતું નથી. કે હું વધારે પ્રજ્ળું છે કે તું કેમ વધારે પ્રજળે છે? બે દિવાઓ આવું કરતા હોત તો ઇશ્વરનો જીવ બળતો હોત! માણસો હુંસાતુંસીના વરસાદમાં એકબીજાને કાદવ ઊડાડીને ઘૂળનું સગપણ પાકું કરતા હોય છે! પ્રાર્થના સમર્પણનું સરનામું છે. પ્રાર્થના પ્રેમનું ખ.સ્. છે.
*
તું અમને મળવા આવે ત્યારે અમારી પાસે સમય હોય એવું કરજે! અમે પ્રાર્થનામાં તને સમજાવવા માંગીએ છીએ કે અમે તને મળી શકીએ એટલો સમય અમારા કામમાંથી તું અમને આપજે. અમે અમને મળવા માંગીએ છીએ. અમારે બઘું જ તારી ઉપર થોપી દેવું નથી. કોઈ એવું જે વડીલની જેમ વ્હાલ કરે... મિત્રની જેમ ઉંમર પ્રમાણે પ્રેમ કરે... બાળકની જેમ જીદ કરીને પોતાનો હક્ક બતાવે એવા અમારા અંશને કહેવું છે. અને કહેતા કહેતા થઈ જાય છે પ્રાર્થના... મરજીવા દરિયામાંથી પાછા ફરે ત્યારે હાથમાં મોતી હોવા જ જોઈએ એવું ક્યાં જરૂરી છે. મોતી શોધવાનો આનંદ પણ ચહેરાની ચમકમાં વર્તાય ત્યારે નિસ્બતનો પરચો મળે છે... પ્રાર્થનાનું અંતઃકરણ એ સાચી દિશાનું વાતાવરણ છે.
*
હું એકલો પડવા માંગુ છું. એકલો પડીને સૌની સાથે રહેવા માંગું છું. ઘરની બારીઓએ મને શિખવાડ્યું છે કે આકાશનો ખપ પણ જરૂર પૂરતો જ કરવો. બારણું વાખેલું ન રાખવું, આપણને કહ્યાં વગર કોઈ આવી શકે ત્યારે અધખૂલેલું રાખવું...! સામેવાળાને આપણું બારણું અધખૂલેલું છે એની ખબર ક્યાંથી પડે? એણે પહેલાં તો ઉંબરા સુધી આવવું પડશે. આ ‘આવવું’ ઊત્સવ બની જાય ત્યારે પ્રાર્થના પરમતૃપ્તિનો અહેસાસ બને છે.
*
નવા વર્ષમાં એક જ પ્રાર્થના કરું છું કે મારી પ્રાર્થના માયકાંગલી કે ઓશિયાળી ન હોવી જોઈએ. એમાં તને મળવાનો મીઠો અજંપો હોવો જોઈએ. એમાં ગઝલની ખુમારી હોવી જોઈએ. પંખીઓ જે ભાષા બોલવા માટે સદીઓથી ટહુકા કરે છે એ ભાષા મારી પ્રાર્થનાને આવડવી જોઈએ. મારી પ્રાર્થના વિશ્વના મંગળ માટેના કોરસનો એક અને એકાકાર સ્વર હોવી જોઈએ. ઇશ્વરનો ફોટો હોય છે. આપણી કલ્પનાનું રેખાચિત્ર એમાં ભાગ ભજવે છે. પ્રાર્થનાનો ફોટો તો આપણા હૃદયની શાંતિ છે. પ્રાર્થનામાં તું જડી જ જાય એવું જરૂરી નથી. પ્રાર્થનામાં કોઈને જડવાનું નથી હોતું! આપણા માણસ-પણાને શોધવાનું હોય છે. પ્રાર્થના ટેરવાને ઊગેલી કૂંપળ છે.. શબ્દોમાં નદીઓનું ખળખળ છે... કાનોમાં સંભળાતું ઝળહળ છે... આપણે જેમાં ભીંજાઈ નથી શકતા એ વાદળ છે... પ્રાર્થના જીવનનું અંજળ છે... તારી ગેરહાજરી અમારી પ્રાર્થના બને એ પહેલાં તારું સ્મરણ અમારું વાતાવરણ બને એ જ અમારી ઇચ્છા... ફળિયાના દિવડાઓ રુંવાડા પરની પ્રાર્થના બને પછી તારી સાથે વાત...!

ઓનબીટ

પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી પરવરદિગાર ક્યાં?

- શાહબા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો