મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.

[1] કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ. જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

[2] એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું : ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

[3] એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા, ‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું, ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.

[4] ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું : ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડોરેસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે, એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

[5] ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી :

(1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો.

(2) માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

(3) સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી.

(4) નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પાડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો.

(5) ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

(6) ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

(7) તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

[6] પ્રાર્થના-1

હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ. બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ. ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

[7] પ્રાર્થના-2

હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે. હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

[8] છેલ્લે…..

થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો