શનિવાર, 23 ઑક્ટોબર, 2010

ધ સ્ટોરી

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?

બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે.

સમજી ગયો મારી માવડી! આપણી ખૂંધમાં પાણીનો સંગ્રહ થાય જેથી આપણે રણમાં રહી શકીએ, લાંબા અને ગોળ પંજાવાળા પગથી આપણે રણમાં ચાલી શકીએ અને લાંબી પાંપણો આપણું રણની રેતી અને પવનથી રક્ષણ કરે. આટલી વાત તો હું સમજી ગયો, પણ મા એક વાત મને ન સમજાણી…

કઇ બેટા?

તો પછી આપણે અહીં શહેરના પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ?

મોરલ ઓફ ધ સ્ટોરી: આવડત, જ્ઞાન અને અનુભવ ત્યારે જ કામના છે જ્યારે આપ યોગ્ય જગ્યાએ હો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો